પણ ગજબ હતો

એ ચાહનાની વ્યાસ હતો, પણ ગજબ હતો
મુજ દિલની આસપાસ હતો, પણ ગજબ હતો

મલકાટ એના મુખનો પ્રફુલ્લિત કરી ગયો
જોકે ન મારી પાસ હતો, પણ ગજબ હતો

આખી હયાત વીતી ગઈ એની યાદમાં
એવો હૃદયમાં વાસ હતો, પણ ગજબ હતો

હસતો રહ્યો’તો રાત દિવસ ફૂલ વેરતો
મનમાં ભલે ઉદાસ હતો, પણ ગજબ હતો

આંખોમાં નોખો એથી તરી આવતો રહ્યો
સઘળામાં એજ ખાસ હતો, પણ ગજબ હતો

અંજાઈ આંખ એનું વદન જોઈ ના શકી
એવો બધે ઉજાસ હતો, પણ ગજબ હતો

સઘળાને એનો ભ્રમ હતો જોતા રહી ગયા
એ નો’તો જાણે ભાસ હતો, પણ ગજબ હતો

આજે તમારી યાદ ઘણી આવતી રહી,
એથી ‘રસિક’ ઉદાસ હતો, પણ ગજબ હતો

-‘રસિક’ મેઘાણી

Post a Comment