દીવડા ઠરી ગયા

વાયરાની રાતમાં દીવડા ઠરી ગયા
સાથ લઈને ચાલતા દીવડા ઠરી ગયા

એ વદન-પ્રભા બધા આંખ આંજતી ગઈ
એકલા ઉજાશમાં દીવડા ઠરી ગયા

તારલાની રાત પણ સાથ ના દઈ શકી
વાટમાંને વાટમાં દીવડા ઠરી ગયા

રાત આખી એકલા એમ પણ ગુજારી છે
જોત જોતાં કેટલાં દીવડા ઠરી ગયા

એક જો ઠરી ગયો, બીજો બાળતા ગયા
એક બાદ કેટલાં દીવડા ઠરી ગયા

કાલ એવા ઊગશે સૂર્ય સમ સતેજ થઈ
આજ રાત જેટલાં દીવડા ઠરી ગયા

રાતભર ન જે ઠર્યાં, આંધિ હો કે હો પ્રલય
ઝબકી આજ, એજ કાં દીવડા ઠરી ગયા

જિંદગી ઉજાસ પણ રહી તો એ રહી‘રસિક’
આશ લઈને આંખમાં દીવડા ઠરી ગયા

-’રસિક’ મેઘાણી

Post a Comment