માછલી સાથે જ દરીયો નીકળ્યો

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને જ હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો……

—-ધૂની માંડલીય

Post a Comment